Ticker

8/recent/ticker-posts

Followers

ડુંગરી ગામે નાવણીયાની જગ્યા બાબતે દલિત અને પટેલ સમાજ વચ્ચે ઘર્ષણ..


મારામારીમાં બે યુવકો ઘાયલ થતાં ઈડર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા, પોલીસની હાજરીમાં મારામારી થઈ હોવાનો આક્ષેપ

ઈડર તાલુકાના ડુંગરી ગામે નાવણીયાની જગ્યા પર સ્નાન કરવા બાબતે દલિત સમાજ અને પટેલ સમાજ વચ્ચે ઘર્ષણ સર્જાતાં ગામમાં તંગદિલીનો માહોલ જોવા મળ્યો હતો. આ ઘટનામાં દલિત સમાજના બે યુવકો ઘાયલ થતાં તેમને 108 એમ્બ્યુલન્સ મારફતે ઈડરની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.


મળતી માહિતી મુજબ, ગામમાં મરણોત્તર ક્રિયા બાદ સ્નાન કરવા માટે અલગ-અલગ સમાજની જગ્યાઓ આવેલી છે, જેને સ્થાનિક ભાષામાં નાવણીયા તરીકે ઓળખવામાં આવે છે. ડુંગરી ગામમાં પણ પટેલ સમાજ અને દલિત સમાજ માટે અલગ-અલગ નાવણીયાની વ્યવસ્થા છે. જોકે, છેલ્લા એક વર્ષથી આ જગ્યાને લઈને બંને સમાજ વચ્ચે વિવાદ ચાલી રહ્યો હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે.


આજે સવારે મરણોત્તર ક્રિયા બાદ નાવણીયાની જગ્યાએ સ્નાન કરવા બાબતે વિવાદ ઉગ્ર બન્યો હતો. ડુંગરી ગામના વણકર રમેશભાઈ મોહનભાઈના જણાવ્યા મુજબ, ગામના સરપંચે ટેલિફોન કરીને નાવણીયાની ચાવી આપવા અંગે જણાવ્યું હતું, પરંતુ ચાવી આપવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો. તેમ છતાં કેટલાક યુવકોએ નાવણીયાનાં તાળાં તોડી નાખતાં મામલો ઉગ્ર બન્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.


વધુમાં રમેશભાઈના જણાવ્યા મુજબ, ઘર્ષણ થવાની આશંકાને પગલે પોલીસના ઇમરજન્સી નંબર 112 પર જાણ કરવામાં આવી હતી. જેથી પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. જોકે, પોલીસની હાજરીમાં જ ઉશ્કેરાયેલા ટોળા દ્વારા મારામારી કરવામાં આવી હોવાનો ઘાયલ પક્ષે આક્ષેપ કર્યો છે. પરિસ્થિતિ વણસતાં ઘાયલ યુવકોને 108 મારફતે ઈડર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.

સ્થાનિકોના જણાવ્યા મુજબ, નાવણીયાની જગ્યા અંગે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો હોવા છતાં તેનો કાયમી ઉકેલ આવ્યો નથી. વારંવાર રજૂઆતો અને પોલીસને જાણ કરવા છતાં યોગ્ય કાર્યવાહી થતી ન હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે.

હાલ બંને ઘાયલ યુવકો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ ઘટનાને પગલે ગામમાં ફરી એકવાર સામાજિક તણાવનો પ્રશ્ન સામે આવ્યો છે. હવે પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા સમગ્ર મામલે તપાસ કરી બંને પક્ષ વચ્ચે શાંતિ જળવાય અને લાંબા સમયથી ચાલી રહેલા વિવાદનો કાયમી ઉકેલ આવે તે જરૂરી બન્યું છે.


અહેવાલ. સંજય ભોઈ 

Post a Comment

0 Comments