ખેડબ્રહ્મા ફાયર વિભાગની ટીમે મૃતદેહને કુવામાંથી બહાર કાઢી પોલીસને સોંપ્યો; પોશીના પોલીસે તપાસ હાથ ધરી
પોશીના : સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકાના દંત્રાલ ગામે ખેતરના કુવામાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં ખેડબ્રહ્મા ફાયર વિભાગની ટીમે સ્થળ પર પહોંચી મૃતદેહને કુવામાંથી બહાર કાઢ્યો હતો.
પ્રાપ્ત વિગતો અનુસાર, દંત્રાલ ગામના લેબામુખી ફળામાં આવેલા ખેતરના મહુડીવાળા કુવામાં આ ઘટના બની હતી. ગામના ખેડૂત સુરેશભાઈ સવારે આશરે ૧૦ વાગ્યાના સુમારે પોતાના કપાસના ખેતરે પાણી વાળવા ગયા હતા. તે દરમિયાન કુવાના પાણીમાં એક અજાણ્યા પુરુષનો મૃતદેહ તરતો જોવા મળ્યો હતો. જેથી તાત્કાલિક 112 મારફતે જાણ કરવામાં આવી હતી.
જાણ મળતાં ખેડબ્રહ્મા ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને જરૂરી કામગીરી હાથ ધરી મૃતદેહને કુવામાંથી બહાર કાઢી પોશીના પોલીસને સોંપ્યો હતો.
બીજી તરફ, મૃતકની ઓળખ અને મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. પોશીના પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી મૃતદેહ અંગેની ઓળખ સહિતની દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.
અહેવાલ
સિરાજ મેમણ. પોશીના
0 Comments