Ticker

8/recent/ticker-posts

Followers

અંબુજા કંપનીના પ્લાન્ટમાંથી કોપર ચોરીનો ભેદ ઉકેલાયો..

રૂ. 7.64 લાખના મુદ્દામાલ સાથે બે આરોપી ઝડપાયા, એક વોન્ટેડ

 પ્રાંતિજ પોલીસ સ્ટેશનની હદમાં આવેલા દલપુર ગામ નજીક અંબુજા કંપનીના ન્યૂ સ્ટાર્ચ પ્લાન્ટમાંથી કોપરની પટ્ટીઓ, કેબલ અને મોટરોની ચોરીના ગુનાનો એલ.સી.બી. પોલીસે ભેદ ઉકેલી બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી ચાર કોપર રોલ, બે મોબાઇલ ફોન અને એક મારુતિ સુઝુકી ઇકો કાર સહિત કુલ રૂ. 7,64,306નો મુદ્દામાલ કબજે કર્યો છે. જ્યારે આ ગુનામાં સંડોવાયેલો અન્ય એક આરોપી વોન્ટેડ જાહેર થયો છે.

સાબરકાંઠા જિલ્લામાં મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા માટે પોલીસ અધિક્ષક ડૉ. પાર્થરાજસિંહ ગોહીલ તથા એલ.સી.બી. ઇન્સ્પેક્ટર ડી.સી. સાકરીયાના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન એલ.સી.બી.ના સ્ટાફને બાતમી મળી હતી કે સફેદ રંગની મારુતિ સુઝુકી ઇકો કાર નંબર GJ-09-BN-9848માં બે શખ્સો ચોરી કરેલા કોપરના રોલ વેચાણ માટે ફરી રહ્યા છે.

આ બાતમીના આધારે પોલીસે હિંમતનગરના ધાંણધા રેલવે ફાટક પાસેથી ઇકો કારને અટકાવી તેમાં સવાર બે શખ્સોને ઝડપી પાડ્યા હતા. પોલીસે બંનેની પૂછપરછ કરતાં પ્રાંતિજના દલપુર ગામ નજીક આવેલા ગુજરાત અંબુજા કંપનીના નવા બની રહેલા પ્લાન્ટમાંથી કોપરની પટ્ટીઓ, કેબલ અને મોટરોની ચોરી કરી હોવાની કબૂલાત કરી હોવાનું જાણવા મળ્યું હતું.

પોલીસે આ ગુનામાં હિંમતનગરના જેકીકુમાર દશરથભાઈ ચંદુભાઈ મારવાડી અને દીપક ટીનુભાઈ મોહનભાઈ વાઘેલાની ધરપકડ કરી છે. જ્યારે રાકેશ ઉર્ફે ધનીયો રાજુભાઈ પટણી નામનો આરોપી વોન્ટેડ છે. પોલીસના જણાવ્યા મુજબ વોન્ટેડ આરોપીનો અગાઉનો ગુનાહિત ઇતિહાસ પણ છે.

આમ, એલ.સી.બી. પોલીસે ગણતરીના કલાકોમાં ચોરીના ગુનાનો ભેદ ઉકેલી કુલ રૂ. 7,64,306નો મુદ્દામાલ કબજે કર્યો છે. વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી માટે આરોપીઓ તથા મુદ્દામાલ હિંમતનગર બી-ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે.


અહેવાલ. સંજય ભોઈ 

Post a Comment

0 Comments