સાબરકાંઠા LCB પોલીસે રૂ. 5.59 લાખના સોના-ચાંદીના દાગીના અને રોકડ સહિતનો મુદ્દામાલ રિકવર કર્યો
સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના ચીઠોડા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા ચિતરીયા ગામે બનેલી ઘરફોડ ચોરીનો ભેદ સાબરકાંઠા લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) પોલીસે ઉકેલી કાઢ્યો છે. આ ચોરીમાં ફરિયાદીનો સગો નાનો ભાઈ જ સંડોવાયેલો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. પોલીસે આરોપી પાસેથી રૂ. 5,59,300ની કિંમતના સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે.
મળતી માહિતી મુજબ, ગત તા. 26/10/2026ના રોજ ચિતરીયા ગામે ફરિયાદી સુનીલકુમાર વિનોદભાઈ ધોધરાના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. મકાનમાંથી આશરે રૂ. 5,59,300ની કિંમતના સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરી થતાં આ અંગે ચીઠોડા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો.
ટેક્નિકલ સર્વેલન્સ અને બાતમીના આધારે આરોપી સુધી પહોંચી પોલીસ
ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સાબરકાંઠા પોલીસ અધિક્ષક ડૉ. પાર્થરાજસિંહ ગોહીલ તથા ગાંધીનગર વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવના માર્ગદર્શન હેઠળ LCB PI ડી.સી. સાકરીયા અને તેમની ટીમે તપાસ હાથ ધરી હતી. ટેક્નિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સની મદદથી તપાસ આગળ ધપાવતા ફરિયાદીના જ સગા નાના ભાઈ સિધ્ધરાજકુમાર વિનોદભાઈ ગોગરા પર શંકા જતાં તેની પૂછપરછ કરવામાં આવી હતી.
પોલીસના જણાવ્યા મુજબ, પૂછપરછ દરમિયાન આરોપીએ ચોરીની કબૂલાત કરી હતી. ઘરના સભ્યો બહાર ગયા હોવાનો લાભ લઈને આરોપીએ દરવાજાની જાળીમાંથી હાથ નાખી લોક ખોલ્યું હતું અને ઘરમાં પ્રવેશ કરી પેટીમાં રાખેલા સોના-ચાંદીના દાગીના તથા રોકડ રકમની ચોરી કરી હતી. ચોરી કર્યા બાદ મુદ્દામાલ પોતાના ઘરની પાછળ આવેલા આંબાના ઝાડ નીચે જમીનમાં દાટી દીધો હોવાનું પણ તેણે જણાવ્યું હતું.
આંબાના ઝાડ નીચેથી મુદ્દામાલ રિકવર
આરોપીની નિશાનદેહી પરથી પોલીસે જમીનમાં દાટેલો ચોરીનો મુદ્દામાલ કબજે કર્યો હતો. જેમાં સોનાની જાડી અને પાતળી ચેઇન, મંગળસૂત્ર, વીંટી, કાનની બૂંટીઓ તથા ચુની સહિતના દાગીના, ચાંદીનો કમરઝુડો, છડા, બ્રેસલેટ, ચાંદીની ચેઇન અને રૂ. 50,000ની રોકડ રકમનો સમાવેશ થાય છે. પોલીસે કુલ રૂ. 5,59,300નો મુદ્દામાલ રિકવર કર્યો છે.
આમ, સાબરકાંઠા LCB પોલીસે ટેક્નિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી આરોપી સિધ્ધરાજકુમાર વિનોદભાઈ ગોગરાને ઝડપી પાડ્યો છે. ત્યારબાદ આરોપીને વધુ તપાસ અર્થે ચીઠોડા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.SK24 ગુજરાતી ન્યૂઝ |
રિપોર્ટર: સિરાજ મેમણ
0 Comments