ઈડરની સાકરીયા સોસાયટીમાં બનેલી ઘટના, રૂ. 1.85 લાખની કિંમતના સોનાના દોરાની ચોરી અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ
ઈડર શહેરમાં ચોરીની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. શહેરના બરવાવ રોડ પર આવેલી સાકરીયા સોસાયટીમાં સૃષ્ટિ પાર્લર ખાતે સેન્ટર ફ્રેશ ચ્યુઇંગ ગમ લેવાના બહાને આવેલા બે અજાણ્યા શખ્સો મહિલાના ગળામાંથી અઢી તોલાનો સોનાનો દોરો તોડી ફરાર થઈ ગયા હતા. ચોરી થયેલા સોનાના દોરાની અંદાજિત કિંમત રૂ. 1.85 લાખ હોવાનું જાણવા મળ્યું છે.
મળતી માહિતી મુજબ, સાકરીયા સોસાયટીમાં આવેલા સૃષ્ટિ પાર્લરના સંચાલક કમળાબેન ગોવિંદભાઈ ચાવડા પોતાના પાર્લર પર હાજર હતાં. તે દરમિયાન નંબર પ્લેટ વગરની બાઈક પર બે અજાણ્યા ઇસમો ત્યાં આવ્યા હતા. બંને શખ્સોએ સેન્ટર ફ્રેશ લેવાના બહાને મહિલાનું ધ્યાન અન્યત્ર દોર્યું હતું. આ તકનો લાભ ઉઠાવી એક શખ્સે મહિલાના ગળામાંથી સોનાનો દોરો તોડી લીધો હતો. ત્યારબાદ બંને શખ્સો બાઈક પર ફરાર થઈ ગયા હતા.
મહિલાના ગળામાંથી તોડવામાં આવેલો સોનાનો દોરો અંદાજે અઢી તોલાનો અને આશરે રૂ. 1.85 લાખની કિંમતનો હોવાનું જાણવા મળ્યું છે. બનાવને પગલે મહિલાએ ઈડર પોલીસ સ્ટેશનમાં બે અજાણ્યા બાઈક સવારો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદના આધારે ઈડર પોલીસે તપાસ હાથ ધરી છે. નંબર પ્લેટ વગરની બાઈક પર આવેલા બંને અજાણ્યા શખ્સોને ઝડપી પાડવા પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.
શહેરના રહેણાક વિસ્તારમાં આવેલી દુકાનમાં બનેલી આ ઘટનાને પગલે સ્થાનિકોમાં ચકચાર મચી છે.
SK24 ગુજરાતી ન્યૂઝ
સંજય ભોઈ
0 Comments