ફટાકડાના કારણે આગ લાગી હોવાની પ્રાથમિક આશંકા; ફાયર બ્રિગેડની ત્રણ ગાડીઓએ ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો
હિંમતનગર: સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરમાં દિવાળીની રાત્રે ખેડ તસિયા રોડ પર સહજાનંદ કોમ્પ્લેક્ષ પાસે આવેલા મંડપના ગોડાઉનમાં અચાનક ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી હતી. આગની ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં ગોડાઉનમાં રાખેલો મંડપનો સામાન આગની લપેટમાં આવી ગયો હતો.
મળતી માહિતી મુજબ, ગોડાઉનમાં મંડપના કાર્યક્રમોમાં ઉપયોગમાં લેવાતી ખુરશીઓ, મંડપનાં કાપડ, ગાદલાં, ફર્નિચર સહિતનો ડેકોરેશનનો સામાન રાખવામાં આવ્યો હતો. આગ એટલી ભીષણ હતી કે આ તમામ સામાન બળીને ખાખ થઈ ગયો હતો. જેના કારણે ગોડાઉન માલિકને મોટું આર્થિક નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે.
પ્રાથમિક અનુમાન મુજબ દિવાળીના તહેવાર દરમિયાન ફોડવામાં આવેલા ફટાકડાને કારણે આગ લાગી હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે આગ લાગવાનું ચોક્કસ કારણ તપાસ બાદ જ જાણી શકાશે.
ઘટનાની જાણ થતાં જ હિંમતનગર નગરપાલિકાની ફાયર બ્રિગેડની ત્રણ ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. સાથે જ હિંમતનગર એ ડિવિઝન પોલીસની ટીમ પણ સ્થળ પર દોડી આવી હતી. ફાયર વિભાગના જવાનોએ પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.
દિવાળીના પર્વ દરમિયાન બનેલી આ આગની ઘટનાએ શહેરમાં ચકચાર મચાવી દીધી હતી. સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ હોવાની માહિતી અહેવાલમાં સામે આવી નથી. જોકે મિલકત અને સામાનને થયેલા નુકસાનને પગલે ગોડાઉન માલિકને મોટો આર્થિક ફટકો પડ્યો છે.
SK24 ગુજરાતી ન્યૂઝ | સંજય ભોઈ
0 Comments