સાપાવાડા સાયન્સ કોલેજ પાસે બે બાઈક પર આવેલા ત્રણ શખ્સોએ રિવેટવાળા પટ્ટાથી માર માર્યાનો આક્ષેપ, ચાર શખ્સો સામે પોલીસ ફરિયાદ
ઇડર શહેરમાં વાહન પાર્કિંગ બાબતે થયેલી તકરારની અદાવતમાં 62 વર્ષીય ટેક્સ સલાહકાર પર હુમલો થયાની ઘટના સામે આવી છે. સાપાવાડા સાયન્સ કોલેજ પાસે બે મોટરસાઇકલ પર આવેલા ત્રણ અજાણ્યા શખ્સોએ ટેક્સ સલાહકારને રિવેટવાળા પટ્ટાથી માર માર્યો હોવાની ફરિયાદ ઇડર પોલીસ મથકે નોંધાઈ છે. આ મામલે અગાઉ સમાધાન માટે રૂ. પાંચ લાખની માંગણી કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો પણ ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, ઇડર તાલુકાના નરસિંહપુરા ગામના 62 વર્ષીય નટવરભાઈ શંકરભાઈ પટેલ ઇડરના શનય કોમ્પ્લેક્ષમાં ટેક્સ સલાહકાર તરીકે વ્યવસાય કરે છે અને કોમ્પ્લેક્ષના ઉપપ્રમુખ તરીકે પણ ફરજ બજાવે છે. ગત 4 નવેમ્બર, 2026ના રોજ વાહન પાર્કિંગ બાબતે તેમને ધ્રુવીત ઉર્ફે નવદિપ કિરીટભાઈ પટેલ સાથે બોલાચાલી અને તકરાર થઈ હતી. ત્યારબાદ સમાધાન કરવા માટે રૂ. પાંચ લાખની માંગણી કરવામાં આવી હોવાનો તેમજ સમાધાન નહીં કરે તો માર મારવાની ધમકી આપવામાં આવી હોવાનો નટવરભાઈએ ફરિયાદમાં ઉલ્લેખ કર્યો છે.
દરમિયાન 7 નવેમ્બર, 2026ના રોજ નટવરભાઈ પોતાની આઇ-ટેન કાર લઈને સાબરકાંઠા બેંકમાંથી પરત ફરી રહ્યા હતા. સાંજના આશરે 4થી 4:15 વાગ્યાના અરસામાં સાપાવાડા સાયન્સ કોલેજ પાસે આવેલા બમ્પ નજીક તેમણે કાર ધીમી કરતાં પાછળથી આવેલી મોટરસાઇકલ તેમની કાર સાથે અથડાઈ હતી. આ અંગે મોટરસાઇકલ ચાલકને કહેવા જતાં બે બાઈક પર મોઢે રૂમાલ બાંધીને આવેલા ત્રણ શખ્સોએ ધ્રુવીત ઉર્ફે નવદિપ સાથે માથાકૂટ કેમ કરી હોવાનું કહી ગાળો બોલી હતી.
ત્યારબાદ ત્રણેય શખ્સોએ પોતાની પાસે રહેલા રિવેટવાળા પટ્ટાથી નટવરભાઈને કપાળના ડાબા ભાગે, પેટ અને પીઠના ભાગે માર માર્યો હતો. એટલું જ નહીં, જાનથી મારી નાખવાની ધમકી આપી હુમલાખોરો ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે.
હુમલામાં ઇજાગ્રસ્ત નટવરભાઈને પ્રથમ ઇડર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. ત્યારબાદ વધુ સારવાર માટે ઇડરની શાશ્વત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
આ બનાવ અંગે નટવરભાઈની ફરિયાદના આધારે ઇડર પોલીસે ધ્રુવીત ઉર્ફે નવદિપ કિરીટભાઈ પટેલ સહિત અન્ય ત્રણ અજાણ્યા શખ્સો સામે ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 115(2), 118(1), 352, 351(3), 61(2), 54 તથા જી.પી. એક્ટની કલમ 135 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ કેસની તપાસ હેડ કોન્સ્ટેબલ મહિપાલસિંહ જયેન્દ્રસિંહ કરી રહ્યા છે.
અહેવાલ. સંજય ભોઈ
0 Comments