હિંમતનગર ગ્રામ્ય વિસ્તારમાં LCBની કાર્યવાહી, રૂ. 7.66 લાખનો મુદ્દામાલ જપ્ત; બે શખ્સો ફરાર
દિવાળીના તહેવારો દરમિયાન ગેરકાયદેસર પ્રવૃત્તિઓને અટકાવવા સાબરકાંઠા જિલ્લા પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. ત્યારે સાબરકાંઠા લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) દ્વારા વિદેશી દારૂની હેરાફેરી સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. રાજસ્થાન તરફથી ગુજરાતમાં વિદેશી દારૂની હેરાફેરી કરી રહેલી સફેદ રંગની સ્વિફ્ટ કારમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બીયરના કુલ 912 બોટલ-ટીન મળી આવતાં પોલીસે રૂ. 7,66,447નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
પોલીસની તપાસ દરમિયાન સ્વિફ્ટ કાર નંબર GJ-09-BB-4544માંથી રૂ. 2,66,447ની કિંમતનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બીયરનો જથ્થો મળી આવ્યો હતો. આ ઉપરાંત રૂ. 5 લાખની કિંમતની સ્વિફ્ટ કાર પણ પોલીસે કબજે કરી હતી. આમ, દારૂના જથ્થા અને કાર સહિત કુલ રૂ. 7,66,447નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.
દરમિયાન પોલીસને જોઈ કારચાલક અને તેની સાથે સવાર અન્ય એક શખ્સ અંધારાનો લાભ લઈને નજીકનાં ખેતરોમાં ફરાર થઈ ગયા હતા. પોલીસે બંને ફરાર શખ્સોને ઝડપી પાડવા માટે શોધખોળ હાથ ધરી છે.
આ સમગ્ર મામલે હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. દિવાળીના તહેવારો દરમિયાન દારૂની ગેરકાયદેસર હેરાફેરી સામે LCBની આ કાર્યવાહીને મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
અહેવાલ. સંજય ભોઈ
SK24 ગુજરાતી ન્યૂઝ
0 Comments