આરામગૃહથી પ્રાંત કચેરી સુધી રેલી યોજી આવેદનપત્ર અપાયું..
ઇડર, સાબરકાંઠા
ઇડર શહેર અને તાલુકા કોંગ્રેસ દ્વારા મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારના રાજીનામાની માંગ સાથે ઇડરમાં રેલી યોજી પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રામભાઈ સોલંકીની આગેવાની હેઠળ કોંગ્રેસના કાર્યકરો આરામગૃહ ખાતે એકત્ર થયા હતા. ત્યારબાદ કાર્યકરોએ રેલી યોજી “મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમાર રાજીનામું આપે” સહિતના સૂત્રોચ્ચાર કર્યા હતા. રેલી તિરંગા સર્કલ થઈને પ્રાંત કચેરી ખાતે પહોંચી હતી.
કોંગ્રેસ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારના કારણે દેશના 13 કરોડ લોકો મતાધિકારથી વંચિત રહ્યા હોવાનો અને વોટ ચોરી થઈ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ મુદ્દે સરકાર સુધી રજૂઆત પહોંચાડવા માટે પ્રાંત અધિકારીને આવેદનપત્ર સોંપવામાં આવ્યું હતું.
રેલીમાં જિલ્લા પ્રમુખ રામભાઈ સોલંકી, તાલુકા પ્રમુખ નંદુભાઈ પટેલ, શહેર પ્રમુખ જીતુભાઈ પંચાલ, પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ એકતાબેન પટેલ, ઇસ્માઈલભાઈ, મુકેશભાઈ પરમાર સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
કોંગ્રેસના કાર્યકરોએ ચૂંટણી પ્રક્રિયા અંગેના આક્ષેપો મામલે સરકાર સમક્ષ યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી હતી.
સંજય ભોઈ
0 Comments