Ticker

8/recent/ticker-posts

Followers

પ્રાંતિજમાં દેશી દારૂની ભઠ્ઠી પર પોલીસનો દરોડો ૬,૦૦૦ લિટર વોશ અને ૨૧૦ લિટર દેશી દારૂ સહિત રૂ. ૧.૯૨ લાખનો મુદ્દામાલ જપ્ત.

પ્રાંતિજ | સાબરકાંઠા


પ્રાંતિજ વિસ્તારમાં ગેરકાયદેસર દારૂની પ્રવૃત્તિઓ સામે પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસને મળેલી બાતમીના આધારે માવાની મુવાડી ગામના ખેતર તથા નજીકના નદીના વાંઘા-કોતરોમાં દરોડો પાડવામાં આવ્યો હતો. જેમાં દેશી દારૂ ગાળવા માટેનો મોટો જથ્થો અને તૈયાર દેશી દારૂ મળી આવતા પોલીસે કુલ રૂ. ૧.૯૨ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.


ગાંધીનગર વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ, સાબરકાંઠા પોલીસ અધિક્ષક ડો. પાર્થરાજસિંહ ગોહિલ તથા હિંમતનગર વિભાગના પોલીસ અધિકારી એ.કે. પટેલના માર્ગદર્શન હેઠળ પ્રાંતિજ પોલીસ દ્વારા પ્રોહિબિશન અને જુગારની પ્રવૃત્તિઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે.


આ કામગીરી દરમિયાન પ્રાંતિજ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ડી.આર. પઢેરીયાના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન મળેલી બાતમીના આધારે માવાની મુવાડી ગામે રેડ કરવામાં આવી હતી.


રેડ દરમિયાન ૫૦૦ લિટરની ક્ષમતાવાળા ૧૨ પ્લાસ્ટિકના ટાંકામાં ભરેલો કુલ ૬,૦૦૦ લિટર દેશી દારૂ બનાવવાનો વોશ, જેની કિંમત રૂ. ૧.૫૦ લાખ, તેમજ ૬ પ્લાસ્ટિકના કેરબામાં ભરેલો ૨૧૦ લિટર દેશી દારૂ, જેની કિંમત રૂ. ૪૨ હજાર, મળી આવ્યો હતો. પોલીસે કુલ રૂ. ૧,૯૨,૦૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.


આ મામલે પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન કાયદા હેઠળ ગોપાલસિંહ નંદુસિંહ ઝાલા, કરણસિંહ રમણસિંહ ઝાલા અને વિશાલસિંહ શૈલેષસિંહ મકવાણા સામે ગુનો નોંધવામાં આવ્યો છે.

પોલીસની આ કાર્યવાહીથી વિસ્તારમાં ગેરકાયદેસર દેશી દારૂની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા તત્વોમાં ફફડાટ ફેલાયો છે.


સંજય ભોઈ 

Post a Comment

0 Comments