મંત્રીશ્રીએ કોડીયાવાડા ખાતે લાભાર્થીઓ સાથે સંવાદ સાધી વૃક્ષારોપણ કર્યું..
સાબરકાંઠા જિલ્લામાં સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત વારાણસીથી વડનગર સુધી નીકળેલી બાઈક યાત્રાનું વિજયનગર તાલુકાના ચિતરીયા ખાતે સામાજિક ન્યાય અને અધિકારિતા, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ તથા ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ વિભાગના મંત્રીશ્રી તથા સાબરકાંઠા જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી ડૉ. પ્રદ્યુમન વાજાએ સ્વાગત કર્યું હતું.
બાઈક યાત્રામાં મંત્રીશ્રી ડૉ.પ્રદ્યુમન વાજા જોડાયા હતા. આ યાત્રા ચિતરીયા, કોડીયાવાડા, ચિઠોડા, રાયસિંગપુરા, ચોરીમાલા અને કલ્યાણપુરા સહિતના ગામોમાંથી પસાર થઈ હતી. યાત્રા દરમિયાન કોડીયાવાડા ખાતે પ્રભારી મંત્રીશ્રીએ વિવિધ યોજનાઓના લાભાર્થીઓ સાથે સંવાદ સાધી સરકારની કલ્યાણકારી યોજનાઓના લાભ અંગે જાણકારી મેળવી હતી. આ પ્રસંગે મંત્રીશ્રીએ વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો હતો.
આ પ્રસંગે પ્રભારી મંત્રીશ્રી ડૉ. પ્રદ્યુમન વાજાએ જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના જાહેર જીવનના ૨૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે સેવા, સુશાસન અને જનકલ્યાણના સંકલ્પ સાથે વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે. ‘વિકસિત ભારતના પૈડાં, વિકાસથી વિરાસત, ગુજરાતના ગૌરવથી ભારતનું ગૌરવ’ના સંકલ્પ સાથે આ યાત્રા સેવા, વિકાસ અને જનભાગીદારીનો સંદેશ જન-જન સુધી પહોંચાડી રહી છે. સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચે અને વિકાસની યાત્રામાં સૌની ભાગીદારી સુનિશ્ચિત થાય તે માટે રાજ્ય સરકાર સતત કાર્યરત છે.
ચિતરીયા પ્રાથમિક શાળા ખાતે મંત્રીશ્રીએ શાળા વ્યવસ્થાપન સમિતિ (SMC)ના સભ્યો સાથે બેઠક યોજી શાળાની શૈક્ષણિક કામગીરી અંગે માહિતી મેળવી હતી. તેમણે શાળામાં બાળકોની હાજરી, શૈક્ષણિક પ્રવૃત્તિઓ તથા શાળાના વિકાસ અંગે જાણકારી મેળવી હતી. આ દરમિયાન મંત્રીશ્રીએ બાળકો સાથે સંવાદ કરી તેમના ભણતર અને શાળાકીય પ્રવૃત્તિઓ અંગે વાતચીત કરી હતી.
સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત શાળાના બાળકોએ દોરેલા વિવિધ ચિત્રોનું મંત્રીશ્રીએ નિરીક્ષણ કરી બાળકોને શુભેચ્છા પાઠવી હતી. તેમણે બાળકોને અભ્યાસમાં આગળ વધવા માટે પ્રોત્સાહિત કર્યા હતા
આ બાઈક યાત્રા દરમિયાન જિલ્લા પંચાયત પ્રમુખશ્રીમતી રીનાબેન પટેલ, જિલ્લા પંચાયત સદસ્યશ્રી રમીલાબેન, સરપંચશ્રી સહિતના પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ, આગેવાનો તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
સંજય ભોઈ
મો.7600694756
0 Comments