Ticker

8/recent/ticker-posts

Followers

વડાલી તાલુકા પ્રીમિયર લીગ સિઝન-2નું ભવ્ય પ્લેયર્સ ઑક્શન સંપન્ન..

સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકામાં રમતગમતને પ્રોત્સાહન આપવા માટે રમતપ્રેમી યુવાનો દ્વારા આયોજિત વડાલી તાલુકા પ્રીમિયર લીગ (VTPL) સિઝન-2 ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય પ્લેયર્સ ઑક્શન ઉત્સાહભેર સંપન્ન થયું હતું. આ કાર્યક્રમમાં તાલુકાભરમાંથી મોટી સંખ્યામાં રમતપ્રેમી યુવાનો, આયોજક સમિતિના સભ્યો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે શ્રી વિપુલકુમાર લોનવાલા ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત કંબોસણી ગામના સરપંચ શ્રી દાદુસિંહ ચૌહાણ અને માલપુર ગામના સરપંચ શ્રી ધર્મેન્દ્રભાઈ પટેલે પણ હાજરી આપી હતી. ખેલાડીઓના ઑક્શન દરમિયાન યુવાનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

આ ટુર્નામેન્ટમાં સમગ્ર વડાલી તાલુકાની કુલ 12 ટીમો ભાગ લઈ રહી છે. ટુર્નામેન્ટના આયોજનથી સ્થાનિક યુવા ખેલાડીઓને પોતાની રમતની પ્રતિભા દર્શાવવા માટે એક સારું મંચ પૂરું પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

ઑક્શન કાર્યક્રમ દરમિયાન શ્રી વિપુલકુમાર લોનવાલાએ યુવાનોને પ્રેરક માર્ગદર્શન આપતાં જણાવ્યું હતું કે રમતગમત યુવાનોમાં શિસ્ત, શારીરિક તંદુરસ્તી અને ટીમભાવના વિકસાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. તેમણે યુવાનોને તમામ પ્રકારનાં વ્યસનોથી દૂર રહી સ્વસ્થ જીવનશૈલી અપનાવવા અપીલ કરી હતી. સાથે જ પર્યાવરણના સંરક્ષણ માટે વૃક્ષારોપણ અને જળસંચય જેવી પ્રવૃત્તિઓમાં સક્રિય ભાગ લેવા તથા દેશના વિકાસ અને રાષ્ટ્રનિર્માણમાં યોગદાન આપવા પ્રેરિત કર્યા હતા.

સમગ્ર પ્લેયર્સ ઑક્શનનું આયોજન સુંદર, પારદર્શક અને સુવ્યવસ્થિત રીતે કરવામાં આવતાં આયોજક સમિતિની કામગીરીને બિરદાવવામાં આવી હતી. અંતે આયોજકોએ તમામ ટીમો અને ખેલાડીઓને ટુર્નામેન્ટમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરી વિજય પ્રાપ્ત કરવા માટે શુભેચ્છાઓ પાઠવી હતી.

વડાલી તાલુકા પ્રીમિયર લીગ સિઝન-2 દ્વારા સ્થાનિક ક્રિકેટ પ્રતિભાઓને પ્રોત્સાહન મળવાની સાથે યુવાનોમાં રમતગમત પ્રત્યેનો ઉત્સાહ વધવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

અહેવાલ. સંજય ભોઈ 

Post a Comment

0 Comments