કાયદેસરની આવક કરતાં 95.64 ટકા વધુ મિલકત અને ખર્ચ હોવાનો ACBનો આક્ષેપ; અગાઉ રૂ. 10 હજારની લાંચના કેસમાં પણ નામ
સાબરકાંઠા એન્ટી કરપ્શન બ્યુરો (ACB) દ્વારા નિવૃત્ત સર્વેયર મહમદભાઈ ગફુરભાઈ મનસુરી સામે અપ્રમાણસર મિલકતના મામલે ગુનો નોંધવામાં આવ્યો છે. ACBની તપાસ મુજબ, 1 એપ્રિલ, 2015થી 31 માર્ચ, 2025 સુધીના દસ વર્ષના સમયગાળા દરમિયાન તેમની કાયદેસરની આવકની સરખામણીએ રૂ. 1,71,83,840ની અપ્રમાણસર મિલકત અને ખર્ચ હોવાનું સામે આવ્યું છે. આ રકમ તેમની આવક કરતાં 95.64 ટકા વધુ હોવાનું જણાવાયું છે.
મળતી માહિતી મુજબ, મહમદભાઈ ગફુરભાઈ મનસુરી અગાઉ છોટાઉદેપુર ખાતે વર્ગ-3ના સર્વેયર તરીકે ફરજ બજાવતા હતા. તેમના પર જાહેર સેવક તરીકેના હોદ્દાનો દુરુપયોગ કરીને ગેરકાયદેસર રીતે નાણાં મેળવવા તથા પોતાના અને પરિવારના સભ્યોનાં નામે રોકાણ કરવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
આરોપી સામે અગાઉ ગાંધીનગર જિલ્લાના દહેગામ ખાતે રૂ. 10,000ની લાંચ લેવા બદલ પણ ગુનો નોંધાયો હોવાનું જાણવા મળ્યું છે. અપ્રમાણસર મિલકતના આ કેસમાં સાબરકાંઠા ACB પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એ.ડી. સુથારે 23 ઓક્ટોબર, 2026ના રોજ ગુનો નોંધ્યો હતો.
હાલ આ કેસની વધુ તપાસ મહેસાણા ACBના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.ડી. ચાવડા દ્વારા હાથ ધરવામાં આવી રહી છે. ACBની કાર્યવાહી બાદ આ મામલે તપાસ આગળ વધતાં વધુ વિગતો સામે આવવાની શક્યતા છે.
અહેવાલ. સંજય ભોઈ
0 Comments