Ticker

8/recent/ticker-posts

Followers

ભુંડ પકડવાની આડમાં ઘરફોડ ચોરી કરતી ચીકલીગર ગેંગનો પર્દાફાશ..


બનાસકાંઠા અને રાજસ્થાનના 10 ઘરફોડ ચોરીના ગુનાઓ ઉકેલાયા; બે આરોપી ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર

બનાસકાંઠા જિલ્લામાં બંધ મકાનોને નિશાન બનાવી ઘરફોડ ચોરી કરતી કુખ્યાત ચીકલીગર ગેંગનો પોલીસે પર્દાફાશ કર્યો છે. સ્થાનિક ગુના શોધક શાખા (LCB), પાલનપુર અને પાંથાવાડા પોલીસની સંયુક્ત કાર્યવાહી દરમિયાન ગેંગના બે આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. જ્યારે ગેંગનો મુખ્ય સૂત્રધાર જુગલસિંગ ચીકલીગર હજુ પોલીસ પકડથી દૂર છે.

પોલીસે જસપાલસિંગ ચીકલીગર અને શેટ્ટીસિંગ ચીકલીગરની ધરપકડ કરી તેમની પાસેથી સોનાના દાગીના, મોટરસાઇકલ અને તાળાં તોડવાનાં સાધનો સહિત કુલ રૂ. 4,00,250નો મુદ્દામાલ કબજે કર્યો છે.

ભુંડ પકડવાના બહાને મકાનોની રેકી

મળતી માહિતી મુજબ, આ ગેંગના સભ્યો દિવસ દરમિયાન ગામડાઓમાં ભુંડ પકડવાના બહાને ફરતા હતા. આ દરમિયાન તેઓ બંધ મકાનોની રેકી કરી લેતા હતા. ત્યારબાદ રાત્રિના સમયે આવા મકાનોને નિશાન બનાવી તાળાં તોડી ઘરમાં પ્રવેશતા અને સોના-ચાંદીના દાગીના તથા રોકડ રકમની ચોરી કરતા હતા.

ગેંગની આ મોડસ ઓપરેન્ડીના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી, જેમાં ચોરીના અનેક ગુનાઓનો ભેદ ઉકેલાયો હોવાનું જાણવા મળ્યું છે.

બનાસકાંઠાના પાંચ સહિત કુલ 10 ગુનાઓનો ભેદ ઉકેલાયો

પોલીસની પૂછપરછ દરમિયાન બનાસકાંઠા જિલ્લાના પાંચ ઘરફોડ ચોરીના ગુનાઓ ઉપરાંત રાજસ્થાનના વિવિધ વિસ્તારોમાં થયેલી ચોરીના ગુનાઓ મળી કુલ 10 ઘરફોડ ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલાયો છે. પોલીસે પકડાયેલા આરોપીઓ પાસેથી ચોરીમાં ઉપયોગી સાધનો સહિતનો મુદ્દામાલ કબજે કરી આગળની તપાસ હાથ ધરી છે.

મુખ્ય સૂત્રધારને ઝડપી પાડવા તપાસ તેજ

આ કેસમાં ગેંગનો મુખ્ય સૂત્રધાર જુગલસિંગ ચીકલીગર હજુ ફરાર છે. પ્રાથમિક માહિતી મુજબ, તેની સામે અગાઉ પણ 25થી વધુ ચોરી અને લૂંટના ગુનાઓમાં સંડોવણી હોવાની વિગતો સામે આવી છે. ફરાર આરોપીને ઝડપી પાડવા માટે પોલીસે શોધખોળ તેજ બનાવી છે.

પોલીસની વધુ તપાસમાં ગેંગના અન્ય ગુનાઓ અને સંભવિત સાગરીતો અંગે વધુ વિગતો સામે આવે તેવી શક્યતા છે.

અહેવાલ. સંજય ભોઈ 

Post a Comment

0 Comments