Ticker

8/recent/ticker-posts

Followers

લાલોડા ગામના આવેદનપત્રમાં ખોટી સહીઓ થયાનો આક્ષેપ..

લાલોડા-સદાતપુરાના આશરે 100 લોકો ઈડર મામલતદાર કચેરીએ પહોંચ્યા; સહીઓની ખરાઈ કરી નિષ્પક્ષ તપાસ કરવાની માંગ

ઈડર તાલુકાના લાલોડા ગામમાં સરકારી ગૌચર જમીન સહિત વિવિધ સર્વે નંબરોમાં ગેરકાયદેસર માટી ખનનના મુદ્દે અગાઉ કરવામાં આવેલી રજૂઆતને લઈને નવો વિવાદ ઊભો થયો છે. અગાઉ મામલતદાર કચેરીમાં રજૂ કરવામાં આવેલા આવેદનપત્રમાં ગામના કેટલાક લોકોની જાણ કે સંમતિ વિના તેમના નામે ખોટી સહીઓ કરવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ મામલે લાલોડા અને સદાતપુરા ગામના આશરે 100 જેટલા લોકો ઈડર મામલતદાર કચેરી ખાતે એકત્રિત થઈ આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી.

મળતી વિગતો મુજબ, મોજે લાલોડા ગામની સરકારી ગૌચર જમીન સહિત વિવિધ સર્વે નંબરોમાં ગેરકાયદેસર માટી ખનન થતું હોવાના મુદ્દે અગાઉ મામલતદાર કચેરીમાં આવેદનપત્ર રજૂ કરવામાં આવ્યું હતું. જોકે, આ આવેદનપત્રમાં અંદાજે 10 જેટલી સહીઓ એવી વ્યક્તિઓના નામે દર્શાવવામાં આવી હોવાનો આક્ષેપ છે, જેમણે પોતે કોઈ સહી કરી ન હોવાનું તેમજ આ રજૂઆત માટે સંમતિ પણ આપી ન હોવાનું જણાવ્યું છે.

આક્ષેપ કરનાર ગ્રામજનોના જણાવ્યા અનુસાર, કેટલાક લોકોને તો અગાઉ રજૂ કરવામાં આવેલા આવેદનપત્ર અંગે જાણકારી પણ નહોતી. તેમ છતાં તેમના નામે સહીઓ દર્શાવી સરકારી કચેરીમાં આવેદનપત્ર રજૂ કરવામાં આવ્યું હોવાની બાબતને લઈને ગ્રામજનોમાં નારાજગી જોવા મળી હતી.

આ મામલે ગ્રામજનોએ મામલતદાર સમક્ષ રજૂઆત કરી અગાઉના આવેદનપત્રમાં દર્શાવવામાં આવેલી તમામ સહીઓની ખરાઈ કરવામાં આવે, સંબંધિત વ્યક્તિઓનાં રૂબરૂ નિવેદનો લેવામાં આવે તેમજ આધાર-પુરાવાના આધારે સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તેવી માંગ કરી હતી. સહી ન કરી હોવાનો દાવો કરનાર વ્યક્તિઓના આધારકાર્ડની નકલો પણ તેમની સંમતિથી પુરાવા તરીકે રજૂઆત સાથે જોડવામાં આવી હોવાનું જણાવાયું છે.

વધુમાં, તપાસ દરમિયાન કોઈ વ્યક્તિ દ્વારા ખોટી સહીઓ કરીને સરકારી કચેરીને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું સાબિત થાય તો જવાબદાર લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે.

નોંધનીય છે કે, લાલોડા ગામમાં ગેરકાયદેસર માટી ખનનના મુદ્દે શરૂ થયેલો વિવાદ હવે અગાઉના આવેદનપત્રમાં થયેલી કથિત ખોટી સહીઓના આક્ષેપ સુધી પહોંચ્યો છે. આશરે 100 જેટલા ગ્રામજનોની રજૂઆત બાદ હવે તંત્ર દ્વારા આ મામલે શું તપાસ અને કાર્યવાહી કરવામાં આવે છે તેના પર સૌની નજર છે.

અહેવાલ. સંજય ભોઈ 

Post a Comment

0 Comments