હિંમતનગર: સાબરકાંઠા જિલ્લામાં નાસતા ફરતા અને કોર્ટ દ્વારા સજા ફટકારવામાં આવેલા આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસ દ્વારા વિશેષ ડ્રાઇવ ચલાવવામાં આવી રહી છે. આ ડ્રાઇવ અંતર્ગત સાબરકાંઠા લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)ની ટીમે છેલ્લા દોઢેક વર્ષથી નાસતા ફરતા સજા વોરંટના આરોપીને હિંમતનગર તાલુકાના રાજપુર ગામ પાસેથી ઝડપી પાડ્યો છે.
પકડાયેલા આરોપીની ઓળખ અમરતભાઈ કેશાભાઈ રાવળ (રહે. અડપોદરા, તા. હિંમતનગર, જી. સાબરકાંઠા) તરીકે થઈ છે.
ચેક બાઉન્સના કેસમાં છ મહિનાની સાદી કેદની સજા
પોલીસની વિગતો અનુસાર, હિંમતનગરની નામદાર ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં ચાલેલા ફોજદારી કેસ નંબર 431/2022માં આરોપી વિરુદ્ધ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી. આ કેસમાં કોર્ટ દ્વારા આરોપીને છ મહિનાની સાદી કેદની સજા ફટકારવાનો હુકમ કરવામાં આવ્યો હતો.
જોકે, સજાના હુકમ બાદ આરોપી છેલ્લા દોઢેક વર્ષથી નાસતો ફરતો હતો. દરમિયાન, સાબરકાંઠા LCBની ટીમે તેને ઝડપી પાડવા માટેની કાર્યવાહી હાથ ધરી હતી. આ કાર્યવાહી દરમિયાન આરોપી હિંમતનગરના રાજપુર ગામ પાસેથી મળી આવતાં તેને ઝડપી પાડવામાં આવ્યો હતો.
પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી
સાબરકાંઠા પોલીસ અધિક્ષક ડૉ. પાર્થરાજસિંહ ગોહિલ તથા LCB પોલીસ ઇન્સ્પેક્ટર ડી.સી. સાકરીયાના માર્ગદર્શન હેઠળ LCB સ્ટાફ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસે આરોપીને ઝડપી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આમ, સાબરકાંઠા જિલ્લામાં સજા વોરંટના આધારે નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે ચાલી રહેલી પોલીસ કામગીરીના ભાગરૂપે LCBને સફળતા મળી છે.
અહેવાલ: SK24 ગુજરાતી ન્યૂઝ
સંજય ભોઈ | મો. 7600694756
ઉત્તર ગુજરાતનો પોતાનો અવાજ — સૌથી પહેલા, સૌથી સચોટ
0 Comments