ખેડૂત વિભાગની 10 બેઠકોમાંથી ભાજપ પેનલના 8 ઉમેદવારો જીત્યા; 96.35 ટકા મતદાન નોંધાયું
પ્રાંતિજ, સાબરકાંઠા: સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ એપીએમસી (કૃષિ ઉત્પન્ન બજાર સમિતિ)ની ચૂંટણીની મતગણતરી પૂર્ણ થતાં ભાજપ સમર્થિત ઉમેદવારોનો દબદબો જોવા મળ્યો હતો. કુલ 16 બેઠકોમાંથી 14 બેઠકો પર ભાજપ સમર્થિત ઉમેદવારો વિજયી થયા હોવાનું જાણવા મળ્યું છે. ખેડૂત વિભાગની 10 બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં ભાજપ પેનલના 8 ઉમેદવારોએ જીત મેળવી હતી, જ્યારે બે ઉમેદવારોને હારનો સામનો કરવો પડ્યો હતો.
પ્રાપ્ત વિગતો અનુસાર, ખેડૂત વિભાગની 10 બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં કુલ 438 મતદારોમાંથી 422 મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. આ સાથે ચૂંટણીમાં 96.35 ટકા જેટલું ઊંચું મતદાન નોંધાયું હતું. મતદાન બાદ માર્કેટયાર્ડના સભાખંડમાં પોલીસ બંદોબસ્ત વચ્ચે બેલેટ પેપરથી મતગણતરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જે શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ હતી.
ખેડૂત વિભાગમાં આઠ ઉમેદવારો વિજયી
પ્રાંતિજ એપીએમસીના ખેડૂત વિભાગની 10 બેઠકોની ચૂંટણીમાં ભાજપ પેનલના વિજયી થયેલા આઠ ઉમેદવારોમાં પટેલ કલ્પેશકુમાર જયંતીલાલ (સોનાસણ), પટેલ વિપુલ ભોગી (મોયદવાસ નાથાજી), પટેલ રમેશ ભોળા (પોગલુ), પટેલ કનૈયાલાલ મણીભાઈ (અંબાવાડા), પટેલ આશિષકુમાર કોદર (પ્રાંતિજ), પટેલ નરસિંહ સોમાભાઈ (રામપુરા), પટેલ શૈલેશકુમાર ભોગીલાલ (મોયદ) અને પટેલ ભાયચંદ રામા (રાસલોડ)નો સમાવેશ થાય છે.
છ બેઠકો અગાઉ બિનહરીફ થઈ હતી
પ્રાંતિજ એપીએમસીની ચૂંટણીમાં સહકારી વિભાગની બે બેઠકો અને વેપારી વિભાગની ચાર બેઠકો અગાઉ બિનહરીફ જાહેર થઈ હતી. આમ, ખેડૂત વિભાગની બેઠકો માટે મતદાન અને મતગણતરીની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ચૂંટણીનાં પરિણામો સ્પષ્ટ થયાં હતાં.
ચૂંટણીની સમગ્ર પ્રક્રિયા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. મતગણતરી શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થતાં વિજેતા ઉમેદવારોના સમર્થકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.
સંજય ભોઈ
0 Comments