અડપોદરા ગામે ઘરની આસપાસથી 25 લીલા ગાંજાના છોડ ઝડપાયા; રૂ. 10.58 લાખનો મુદ્દામાલ જપ્ત
સાબરકાંઠા જિલ્લામાં નશીલા પદાર્થોના ગેરકાયદે વાવેતર અને વેચાણ સામે પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે હિંમતનગર તાલુકાના અડપોદરા ગામે એન્ટી નાર્કોટિક્સ વિંગ અને ગાંભોઈ પોલીસની સંયુક્ત ટીમે બાતમીના આધારે દરોડો પાડીને ગાંજાના ગેરકાયદે વાવેતરનો પર્દાફાશ કર્યો હતો. આ કાર્યવાહી દરમિયાન રહેણાંક મકાનની આસપાસની જગ્યામાંથી ગાંજાના 25 લીલા છોડ મળી આવતાં પોલીસે કુલ 21.162 કિલોગ્રામ વજનના છોડ જપ્ત કર્યા હતા, જેની અંદાજિત કિંમત રૂ. 10,58,100 હોવાનું જાણવા મળ્યું છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, સાબરકાંઠા જિલ્લામાં યુવાધનને નશાના દૂષણથી દૂર રાખવા તથા નાર્કોટિક્સ પદાર્થોના ગેરકાયદે વેચાણ પર અંકુશ મેળવવા માટે પોલીસ દ્વારા 'SAY NO TO DRUGS' મિશન અંતર્ગત કામગીરી કરવામાં આવી રહી છે. આ દરમિયાન મળેલી બાતમીના આધારે એન્ટી નાર્કોટિક્સ વિંગ અને ગાંભોઈ પોલીસ સ્ટેશનની ટીમે હિંમતનગર તાલુકાના અડપોદરા ગામે દરોડો પાડ્યો હતો.
દરોડા દરમિયાન અડપોદરા ગામમાં રહેતા ભુપેન્દ્રસિંહ ઉર્ફે ભરતસિંહ ભુરસિંહ ઝાલા (ઉંમર 60 વર્ષ)ના રહેણાંક મકાનની આસપાસની જગ્યામાં ગાંજાના છોડનું ગેરકાયદે વાવેતર કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું હતું. પોલીસે સ્થળ પરથી 25 લીલા ગાંજાના છોડ કબજે કર્યા હતા. આ છોડનું કુલ વજન 21.162 કિલોગ્રામ અને તેની અંદાજિત કિંમત રૂ. 10,58,100 આંકવામાં આવી છે.
આ મામલે પોલીસે ભુપેન્દ્રસિંહ ઉર્ફે ભરતસિંહ ભુરસિંહ ઝાલા વિરુદ્ધ એન.ડી.પી.એસ. એક્ટની કલમ 8(C) અને 20(a)(i) હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સાબરકાંઠા જિલ્લામાં નશીલા પદાર્થો સામેની ઝુંબેશના ભાગરૂપે કરવામાં આવેલી આ કાર્યવાહીને પગલે ગેરકાયદે ગાંજાના વાવેતરનો મામલો ચર્ચામાં આવ્યો છે.
અહેવાલ. સંજય ભોઈ
0 Comments