કોઈપણ મુશ્કેલી કે છેડતીના સમયે ટોલ-ફ્રી નંબર ૧૮૧ પર કોલ કરતા જ ટીમ ઘટનાસ્થળે દોડી જશે
મદદ માંગનાર મહિલા કે દીકરીની ઓળખ સંપૂર્ણપણે ગુપ્ત રાખવામાં આવશે
સાબરકાંઠા જિલ્લામાં આદ્યશક્તિની આરાધનાના પવિત્ર પર્વ નવરાત્રીની ઉજવણી અંતર્ગત બહેનો-દીકરીઓ કોઈ પણ પ્રકારના ડર વગર, સુરક્ષિત અને ભયમુક્ત વાતાવરણમાં મોડી રાત સુધી ગરબા રમી શકે તે માટે ‘૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન’ ની સાબરકાંઠા ટીમ સંપૂર્ણ રીતે સજ્જ છે. નવરાત્રીના નવ દિવસ દરમિયાન જિલ્લાના મુખ્ય ગરબા ગ્રાઉન્ડ્સ, સોસાયટીઓ, ખાણી-પીણી બજારો અને હાઈવે તથા અવાવરું રસ્તાઓ પર ૧૮૧ અભયમની વિશેષ રેસ્ક્યૂ વાન દ્વારા સતત પેટ્રોલિંગ કરીને સુરક્ષા વ્યવસ્થા સુદ્રઢ કરવામાં આવી છે.
સાબરકાંઠા જિલ્લા અભયમ ટીમના અધિકારીના જણાવ્યા અનુસાર, હિંમતનગર, ઇડર, પ્રાંતિજ, તલોદ, ખેડબ્રહ્મા, વડાલી, વિજયનગર અને પોશિના સહિતના વિસ્તારોમાં ગરબા સ્થળે કે મુસાફરી દરમિયાન કોઈ બહેનને છેડતી, પીછો કરવો, માનસિક-શારીરિક પજવણી કે અન્ય કોઈ પણ શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય, તો તેઓ ત્વરિત ટોલ-ફ્રી નંબર ૧૮૧ પર કોલ કરી શકે છે. ૧૮૧ કંટ્રોલ રૂમ દ્વારા જીપીએસ ટેકનોલોજીની મદદથી પીડિત મહિલાનું લોકેશન ટ્રેક કરી, સાબરકાંઠા જિલ્લામાં તૈનાત ‘અભયમ રેસ્ક્યૂ વાન’ ને મિનિટોમાં રવાના કરવામાં આવશે. આ વાનમાં રહેલા મહિલા કાઉન્સિલર અને પોલીસ કોન્સ્ટેબલની ટીમ ઓન-ધ-સ્પોટ આવીને કાયદાકીય કાર્યવાહી અને કાઉન્સિલિંગ કરશે.
ઘણી વખત બહેનો સામાજિક બદનામીના કારણે ફરિયાદ કરવાનું ટાળતી હોય છે, પરંતુ સાબરકાંઠા જિલ્લાની બહેનોને આશ્વસન આપવામાં આવે છે કે ૧૮૧ હેલ્પલાઇન પર કોલ કરનાર તમામ મહિલાઓની વિગતો અને ઓળખ ૧૦૦% ગુપ્ત રાખવામાં આવે છે. આ સેવાનો લાભ કોઈ પણ ઉંમરની મહિલા મફતમાં લઈ શકે છે. આ ઉપરાંત, જો કોઈ જાગૃત નાગરિક રસ્તામાં કોઈ મહિલાને મુશ્કેલીમાં જુએ, તો તે પણ આ નંબર પર કોલ કરીને મદદ મેળવી શકે છે.
નવરાત્રી દરમિયાન સાબરકાંઠા જિલ્લા પોલીસની ‘શી-ટીમ’ (SHE Team) અને ૧૮૧ અભયમ ટીમ સંયુક્ત રીતે એક્શન મોડમાં કામ કરી રહી છે. જિલ્લાના મુખ્ય ગરબા મહોત્સવોમાં સાદા કપડામાં મહિલા પોલીસ કર્મચારીઓ તૈનાત છે.જેથી રોમિયોગીરી કે વિકૃત માનસિકતા ધરાવતા તત્વો સામે કડક પગલાં ભરી શકાય. મુશ્કેલીના સમયે બહેનો ઇમરજન્સી નંબર ૧૧૨ નો પણ ઉપયોગ કરી શકે છે.
સાબરકાંઠાની ખેલૈયા બહેનો માટે ખાસ અપીલ:
૧૮૧ અભયમ ટીમ દ્વારા ગરબા રમતી બહેનોને ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે કે:
૧. પોતાના મોબાઈલમાં ૧૮૧ અને ૧૧૨ નંબર સ્પીડ ડાયલ અથવા શોર્ટકટમાં સેવ રાખવો.
૨. મોડી રાત્રે ગરબા સ્થળેથી ઘરે પરત ફરતી વખતે પરિવાર સાથે ફોન પર ‘લાઈવ લોકેશન’ (Live Location) ચોક્કસ શેર કરવું.
૩. અજાણ્યા લોકો દ્વારા આપવામાં આવતી ખાણી-પીણીની વસ્તુઓ કે લિફ્ટ લેવાનું સખતપણે ટાળવું.
૪. અંધારિયા કે સૂમસામ રસ્તાઓ પર એકલા જવાને બદલે હંમેશાં ફ્રેન્ડ્સ કે ફેમિલીના ગ્રુપમાં જ અવરજવર કરવી.
અભયમ ૧૮૧ મહિલા હેલ્પલાઇન સાબરકાંઠા જિલ્લાની તમામ બહેનોને સુરક્ષિત અને આનંદમય નવરાત્રીની શુભકામનાઓ પાઠવે છે. શક્તિના આ પર્વમાં કોઈ પણ મુશ્કેલી સમયે ૧૮૧ સાબરકાંઠાની બહેનો માટે સુરક્ષા કવચ તરીકે ખડેપગે હાજર છે.વધુ માહિતી માટે મીડિયા સેલ, ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન, સાબરકાંઠાનો સંપર્ક કરી શકાશે.
સંજય ભોઈ
0 Comments