‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ અંતર્ગત ઘરફોડ ચોરીનો મુદ્દામાલ પરત કરાયો
સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન દ્વારા ઘરફોડ ચોરીના ગુનામાં ગયેલો રૂ. 6,93,055ની કિંમતનો સોના-ચાંદીનો મુદ્દામાલ રિકવર કરીને મૂળ માલિકને પરત સોંપવામાં આવ્યો છે. પોલીસ દ્વારા ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ અંતર્ગત આ મુદ્દામાલ સત્તાવાર રીતે મૂળ માલિકને પરત કરવામાં આવતાં પરિવારમાં રાહતની લાગણી જોવા મળી હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર, ગાંધીનગર વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી વિરેન્દ્રસિંહ યાદવ તથા સાબરકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક ડો. પાર્થરાજસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ અને ખેડબ્રહ્મા ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક ડો. કુલદીપ નાયીની સૂચના મુજબ ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડી.એન. સાઘુ તથા તેમની ટીમ દ્વારા ઘરફોડ ચોરીના ગુનામાં ગયેલા મુદ્દામાલને શોધી કાઢવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
આ કાર્યવાહી દરમિયાન પોલીસે કુલ રૂ. 6,93,055ની કિંમતનો સોના-ચાંદીનો મુદ્દામાલ રિકવર કર્યો હતો. જેમાં પેન્ડલ સાથેની સોનાની ચેન, સોનાની માળા, સોનાનું ડોકીયું, સોનાની ત્રણ જોડ બુટ્ટી, ચાંદીના એક જોડ છડા તથા ચાંદીની ચાર વેળનો સમાવેશ થાય છે.
પોલીસ અધિકારીઓની ઉપસ્થિતિમાં મુદ્દામાલ પરત કરાયો
ખેડબ્રહ્મા પોલીસ દ્વારા ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ અંતર્ગત પોલીસ અધિકારીઓની ઉપસ્થિતિમાં રિકવર કરાયેલો કિંમતી મુદ્દામાલ તેના મૂળ માલિકને પરત સોંપવામાં આવ્યો હતો. પોલીસની આ કામગીરીથી ચોરીના કારણે નુકસાન વેઠનાર માલિકને પોતાની કિંમતી ચીજવસ્તુઓ પરત મળી છે.
આમ, ખેડબ્રહ્મા પોલીસની કામગીરીના પરિણામે રૂ. 6.93 લાખથી વધુની કિંમતના સોના-ચાંદીના દાગીના મૂળ માલિક સુધી પહોંચાડવામાં આવ્યા હતા.
— SK24 ગુજરાતી ન્યૂઝ | સંજય ભોઈ
0 Comments