બ્લોક નંબર 577માંથી JCB દ્વારા વારંવાર માટી ખોદી લઈ જવાતી હોવાની રજૂઆત; સ્થળ તપાસ કરી કાર્યવાહી કરવા તાલુકા વિકાસ અધિકારી સમક્ષ માંગ
ઈડર: સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના મુડેટી ગામે આવેલી ગૌચરની જમીનમાંથી ગેરકાયદેસર રીતે માટી ખનન કરવામાં આવતું હોવાના આક્ષેપો સામે આવ્યા છે. ગામના બ્લોક નંબર 577 (નવો સર્વે નંબર 833)ની જમીનમાંથી JCB મારફતે વારંવાર માટી ખોદી લઈ જવામાં આવતી હોવાની રજૂઆત તાલુકા વિકાસ અધિકારી સમક્ષ કરવામાં આવી છે. આ મામલે તાત્કાલિક સ્થળ તપાસ કરી માટી ખનનની કામગીરી બંધ કરાવવા અને જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.
મુડેટી ગામના ધવલભાઈ પટેલ દ્વારા કરવામાં આવેલી લેખિત રજૂઆત મુજબ, ગામની ગૌચરની જમીનમાંથી JCB દ્વારા વારંવાર માટી ખોદીને લઈ જવાની કામગીરી કરવામાં આવી રહી છે. આ અંગે JCB માલિકને જાણ કરવામાં આવી હોવા છતાં માટી ખનનની કામગીરી બંધ કરવામાં આવી ન હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
રજૂઆતમાં વધુમાં જણાવ્યા મુજબ, આ મુદ્દે અગાઉ પણ ગ્રામ પંચાયત અને ગ્રામસભામાં વારંવાર રજૂઆતો કરવામાં આવી હતી. તેમ છતાં સમસ્યાનો ઉકેલ આવ્યો ન હોવાની રજૂઆતકર્તાની ફરિયાદ છે. સમગ્ર મામલે રજૂઆતકર્તા દ્વારા GPS લોકેશન સાથેના ફોટોગ્રાફ્સ અને વીડિયો પુરાવા પણ તાલુકા વિકાસ અધિકારીને મોકલવામાં આવ્યા હોવાનું જણાવાયું છે.
ગૌચરની જમીન ગામનાં પશુધન માટે ઉપયોગી હોવાથી આવી જમીનનું સંરક્ષણ થાય અને નિયમોનું ઉલ્લંઘન થતું હોય તો તેને અટકાવવામાં આવે તેવી માંગ સાથે ધવલભાઈ પટેલે તંત્રનું ધ્યાન દોર્યું છે.
હવે તાલુકા વિકાસ અધિકારી દ્વારા આ મામલે સ્થળ તપાસ કરવામાં આવે, જમીનના રેકોર્ડ અને રજૂ કરાયેલા પુરાવાની ચકાસણી થાય તથા જો ગેરકાયદેસર ખનન થયાનું જણાય તો જવાબદાર વ્યક્તિઓ સામે નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
હવે જોવાનું એ રહેશે કે મુડેટી ગામની ગૌચરની જમીન અંગે થયેલી આ રજૂઆતના પગલે સંબંધિત તંત્ર ક્યારે સ્થળ તપાસ હાથ ધરે છે અને આગળ શું કાર્યવાહી કરે છે.
અહેવાલ. સંજય ભોઈ
0 Comments