Ticker

8/recent/ticker-posts

Followers

મેઘરજના ઝરડા ગામે ગાંજાનું ગેરકાયદે વાવેતર ઝડપાયું..

360 લીલા છોડ સાથે રૂ. 25.26 લાખનો મુદ્દામાલ જપ્ત, એક સામે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધાયો

અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના ઝરડા ગામે ગાંજાના ગેરકાયદે વાવેતરનો પર્દાફાશ થતાં ચકચાર મચી ગઈ છે. એન્ટી નાર્કોટિક્સ વિંગની ટીમે બાતમીના આધારે દરોડો પાડીને ગાંજાના 360 લીલા છોડ ઝડપી પાડ્યા હતા. આ કાર્યવાહી દરમિયાન મોબાઈલ ફોન સહિત કુલ રૂ. 25,26,500નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.

પ્રાપ્ત વિગતો અનુસાર, ઝરડા ગામમાં હળદર, આદુ, પીંડાળુ અને રીંગણના પાકની આડમાં ગાંજાના છોડ ઉગાડવામાં આવ્યા હોવાની બાતમી એન્ટી નાર્કોટિક્સ વિંગની ટીમને મળી હતી. જેના આધારે ટીમે સ્થળ પર દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન ગાંજાના 360 લીલા છોડ મળી આવ્યા હતા, જેનું કુલ વજન 50.520 કિલોગ્રામ હોવાનું જાણવા મળ્યું હતું. જપ્ત કરાયેલા ગાંજાના છોડની અંદાજિત કિંમત રૂ. 25.26 લાખ આંકવામાં આવી છે.

આ મામલે ઝરડા ગામના 40 વર્ષીય રાજેશભાઈ મેઘાભાઈ મેણાત સામે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. FSL અધિકારી દ્વારા કરવામાં આવેલી તપાસમાં જપ્ત કરાયેલા છોડ ગાંજાના હોવાનું સામે આવ્યું હોવાનું અહેવાલમાં જણાવાયું છે.

પોલીસ દ્વારા હવે ગાંજાના બિયારણનો સ્ત્રોત ક્યાંથી મેળવવામાં આવ્યો હતો અને આ વાવેતરમાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે કેમ તે અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. મેઘરજ પંથકમાં ગાંજાના ગેરકાયદે વાવેતર સામે થયેલી આ કાર્યવાહીથી નશીલા પદાર્થોના ગેરકાયદે ઉત્પાદનના મામલે ફરી ચર્ચા જાગી છે.

અહેવાલ. આરીફ ટીંટોઈયા
અરવલ્લી

Post a Comment

0 Comments