Ticker

8/recent/ticker-posts

Followers

₹5 કરોડથી વધુના સાયબર ફ્રોડ કેસમાં મુખ્ય આરોપી રાજસ્થાનથી ઝડપાયો..

‘ઓપરેશન મ્યુલ હન્ટ’ હેઠળ સાબરકાંઠા સાયબર ક્રાઇમ પોલીસની કાર્યવાહી; 73 અરજદારો સાથેની છેતરપિંડીના કેસમાં ત્રણ મહિનાથી નાસતા આરોપીની ધરપકડ

હિંમતનગર, તા. 26 ઓક્ટોબર: સાબરકાંઠા સાયબર ક્રાઇમ પોલીસને સાયબર છેતરપિંડીના કેસમાં મોટી સફળતા મળી છે. ‘ઓપરેશન મ્યુલ હન્ટ’ અંતર્ગત પોલીસે પાંચ કરોડ રૂપિયાથી વધુની સાયબર છેતરપિંડીના કેસમાં છેલ્લા ત્રણ મહિનાથી નાસતા ફરતા મુખ્ય આરોપી દિપેશ ભંવરલાલ ડબગરને રાજસ્થાનમાંથી ઝડપી પાડ્યો છે. આ કેસમાં દેશના વિવિધ રાજ્યોના 73 અરજદારો સાથે કુલ રૂ. 5,04,36,296ની છેતરપિંડી થયાનું NCCRP પોર્ટલ પર નોંધાયેલી ફરિયાદોના આધારે સામે આવ્યું છે.

પોલીસના જણાવ્યા અનુસાર, ગત 30 જૂન, 2026ના રોજ નોંધાયેલા સાયબર ફ્રોડના ગુનામાં આરોપી દિપેશ ભંવરલાલ ડબગરની સંડોવણી સામે આવી હતી. આરોપી રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાના આસપુરમાં રામગઢ રોડ વિસ્તારનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. ગુનો નોંધાયા બાદથી તે પોલીસ પકડથી દૂર હતો.

બેંક ખાતાં અને સિમકાર્ડની વિગતો મેળવી સાયબર છેતરપિંડીનો આક્ષેપ

તપાસમાં સામે આવેલી વિગતો મુજબ, આરોપી આર્થિક લાભ મેળવવા માટે અલગ-અલગ બેંકોમાં ખાતાં ખોલાવતો હતો. ત્યારબાદ ખાતાધારકો પાસેથી એટીએમ કાર્ડ અને સિમકાર્ડની વિગતો મેળવી કથિત સાયબર સિન્ડિકેટ મારફતે છેતરપિંડી કરવામાં આવતી હતી. સોશિયલ મીડિયાના માધ્યમથી દેશના અલગ-અલગ રાજ્યોના નાગરિકોને નિશાન બનાવવામાં આવ્યા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.

NCCRP પોર્ટલ પર નોંધાયેલા 73 અરજદારો સાથે કુલ રૂ. 5.04 કરોડથી વધુની છેતરપિંડી થયાનું સામે આવ્યું છે. આ પૈકી રૂ. 31,99,430 જેટલી રકમ સંબંધિત બેંક ખાતાઓમાં જમા કરાવી સાયબર ફ્રોડ આચરવામાં આવ્યો હોવાનું ટેકનિકલ વિશ્લેષણમાં બહાર આવ્યું હોવાનું જાણવા મળ્યું છે.

ઉચ્ચ પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ કામગીરી

સાબરકાંઠા પોલીસ અધિક્ષક ડૉ. પાર્થરાજસિંહ ગોહિલ અને નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવના માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર ડી.એન. વસાવા તથા તેમની ટીમે આ કાર્યવાહી હાથ ધરી હતી. લાંબા સમયથી નાસતા ફરતા આરોપીને રાજસ્થાનમાંથી ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી છે.

સાયબર છેતરપિંડીના વધતા બનાવો વચ્ચે આ કાર્યવાહી મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. નાગરિકોએ અજાણ્યા વ્યક્તિઓને પોતાના બેંક ખાતાં, એટીએમ કાર્ડ, સિમકાર્ડ કે OTPની વિગતો આપવાથી દૂર રહેવું જોઈએ. શંકાસ્પદ નાણાકીય વ્યવહાર જણાય તો તાત્કાલિક સાયબર ક્રાઇમ હેલ્પલાઇન 1930 પર જાણ કરવી જોઈએ.

અહેવાલ. સંજય ભોઈ 

Post a Comment

0 Comments