ખમગફળી કાઢતી વખતે સર્જાઈ દુર્ઘટના; ધનસુરા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી
અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના વડા ગામની સીમમાં ખેતરમાં કામ કરતી વખતે થ્રેશરમાં સાડી ફસાઈ જતાં 25 વર્ષીય મહિલાનું કરુણ મોત નીપજ્યું હતું. આ દુઃખદ ઘટનાને પગલે પંથકમાં શોકની લાગણી પ્રસરી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, વડાગામની સીમમાં આવેલા ખેતરમાં હિરલબેન મકવાણા મગફળી કાઢવાનું કામ કરી રહ્યાં હતાં. દરમિયાન તેઓ માથે તગારું લઈને થ્રેશરમાં મગફળી નાખવા ગયાં હતાં. આ સમયે અચાનક તેમની સાડી થ્રેશરના જોઈન્ટ ભાગમાં ફસાઈ ગઈ હતી. સાડી મશીનમાં ફસાઈ જવાના કારણે હિરલબેનને ગંભીર ઇજા પહોંચતાં તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
ઘટનાની જાણ થતાં આસપાસના લોકો ઘટનાસ્થળે એકત્રિત થઈ ગયા હતા. બનાવની જાણ ધનસુરા પોલીસને કરવામાં આવતાં પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ધનસુરા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડ્યો હતો.
આ મામલે પોલીસે અકસ્માતે મોત અંગે નોંધ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ખેતરમાં મગફળી કાઢવાની કામગીરી દરમિયાન બનેલી આ દુર્ઘટનાથી મૃતકના પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.
અહેવાલ: સંજય ભોઈ
SK24 ગુજરાતી ન્યૂઝ
0 Comments