Ticker

8/recent/ticker-posts

Followers

કપાસના વાવેતરની આડમાં ગાંજાની ખેતીનો પર્દાફાશ: પોશીના પોલીસે 181 છોડ સાથે એક આરોપીને ઝડપી પાડ્યો..

32.734 કિલોગ્રામ ગાંજો જપ્ત, અંદાજિત કિંમત રૂ. 16.36 લાખથી વધુ

પોશીના, સાબરકાંઠા: સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકાના વલસાડી ગામના મુખી ફળામાં કપાસના વાવેતરની આડમાં ગાંજાનું ગેરકાયદે વાવેતર થતું હોવાનો પર્દાફાશ થયો છે. પોશીના પોલીસ સ્ટેશનની ટીમે ચોક્કસ બાતમીના આધારે દરોડો પાડીને ગાંજાના 181 છોડ કબજે કર્યા હતા. આ મામલે પોલીસે એક આરોપીને ઝડપી પાડી એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, સાબરકાંઠા જિલ્લામાં યુવાધનને નશાના દૂષણથી બચાવવા અને માદક પદાર્થોના ગેરકાયદે વેચાણ તથા વાવેતર પર અંકુશ લાવવા માટે ચલાવવામાં આવી રહેલા 'SAY NO TO DRUGS' મિશન અંતર્ગત પોશીના પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે વલસાડી ગામના મુખી ફળામાં આવેલા ખેતરમાં તપાસ હાથ ધરવામાં આવી હતી.

તપાસ દરમિયાન ખેતરમાં કપાસના વાવેતરની આડમાં ગાંજાના છોડ ઉગાડવામાં આવ્યા હોવાનું સામે આવ્યું હતું. પોલીસે સ્થળ પરથી ગાંજાના કુલ 181 છોડ, જેનું કુલ વજન 32.734 કિલોગ્રામ અને અંદાજિત કિંમત રૂ. 16,36,700 થાય છે, તે કબજે કર્યા હતા.

આ મામલે પોલીસે દીપકભાઈ હીરાભાઈ બુંબડીયા (ઉંમર 36 વર્ષ), રહે. વલસાડી ગામ, મુખી ફળિયું, પોશીના સામે કાર્યવાહી કરી તેને ઝડપી પાડ્યો હતો. પોલીસે એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

પોશીના પોલીસની આ કાર્યવાહીને પગલે વિસ્તારમાં ગેરકાયદે માદક પદાર્થોનું વાવેતર કરતા તત્ત્વોમાં ફફડાટ ફેલાયો છે. યુવાધનને નશાથી દૂર રાખવા અને નશાકારક પદાર્થો સામે કડક કાર્યવાહી કરવાના અભિયાનના ભાગરૂપે પોલીસની કામગીરી મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

— SK24 ગુજરાતી ન્યૂઝ
રિપોર્ટર: સિરાજ મેમણ, પોશીના

Post a Comment

0 Comments