નવરાત્રિ દરમિયાન માતાજીનાં દર્શન કરવા આવેલા યુવક સાથે દુર્ઘટના; SDRF અને ફાયર વિભાગે ભારે જહેમત બાદ મૃતદેહ બહાર કાઢ્યો
પંચમહાલ જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢમાં નવરાત્રિના પવિત્ર દિવસોમાં દુઃખદ ઘટના સામે આવી છે. ભદ્રકાળી મંદિર તરફ જતા માર્ગ પર શોર્ટકટનો ઉપયોગ કરતી વખતે અંદાજે 1000 ફૂટ ઊંડી ખીણમાં પડી જતાં એક યુવકનું મોત નીપજ્યું હતું. ઘટનાને પગલે યાત્રાધામમાં શોકની લાગણી પ્રસરી હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર, મૃતક અનિલ શંકર ભીલ મૂળ મધ્યપ્રદેશના ધાર જિલ્લાના નિસરાપુર ગામના રહેવાસી હતા અને હાલમાં વડોદરા જિલ્લાના વાઘોડિયા વિસ્તારમાં આવેલી વસાહતમાં રહેતા હતા. તેઓ નવરાત્રિના ચોથા નોરતે અન્ય ત્રણ વ્યક્તિઓ અને બે બાળકો સાથે પાવાગઢ ખાતે માતાજીનાં દર્શન કરવા આવ્યા હતા.
દરમિયાન ભદ્રકાળી મંદિર તરફ જતી વખતે તેઓ શોર્ટકટ માર્ગ પરથી પસાર થઈ રહ્યા હતા. આ સમયે અચાનક સંતુલન ગુમાવતાં તેઓ ઊંડી ખીણમાં પટકાયા હતા. ખીણમાં પડી જવાથી તેમને ગંભીર ઇજાઓ પહોંચી હતી અને તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
SDRF અને ફાયર વિભાગની ટીમે હાથ ધર્યું રેસ્ક્યૂ ઓપરેશન
ઘટનાની જાણ થતાં ગોધરા SDRFની ટીમ તેમજ હાલોલ નગરપાલિકાના ફાયર વિભાગના જવાનો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ખીણની ઊંડાઈ અને દુર્ગમ ભૌગોલિક પરિસ્થિતિને કારણે બચાવ કામગીરી પડકારજનક બની હતી. જોકે, બંને ટીમોએ સંકલન સાધીને ભારે જહેમત બાદ મૃતદેહને ખીણમાંથી બહાર કાઢ્યો હતો.
ત્યારબાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ સહિતની કાયદેસરની કાર્યવાહી માટે હાલોલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. પોલીસે અકસ્માતે મોત અંગે નોંધ કરી સમગ્ર બનાવની વધુ તપાસ હાથ ધરી છે.
યાત્રાળુઓએ સાવચેતી રાખવી જરૂરી
પાવાગઢ જેવા ડુંગરાળ યાત્રાધામોમાં દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓએ જોખમી શોર્ટકટ માર્ગોનો ઉપયોગ ટાળવો જોઈએ. ખાસ કરીને ડુંગરાળ અને લપસણા વિસ્તારોમાં તંત્ર દ્વારા નિર્ધારિત સુરક્ષિત માર્ગોનો જ ઉપયોગ કરવો જોઈએ, જેથી આવી દુર્ઘટનાઓ નિવારી શકાય.
સંજય ભોઈ
0 Comments