સિલાસણ પાટિયા પાસે બે બાઈક વચ્ચે સામસામે ટક્કર; 8 વર્ષની માસૂમ બાળકી સહિત ત્રણનાં ઘટનાસ્થળે જ કરુણ મોતથી પંથકમાં શોકનો માહોલ
અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકામાં ભિલોડા-વિજયનગર હાઈવે પર ધોલવાણી નજીક સિલાસણ પાટિયા પાસે શનિવારે સમી સાંજે બે બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. બંને બાઈક વચ્ચે સામસામે જોરદાર ટક્કર થતાં ત્રણ લોકોનાં ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યાં હતાં, જ્યારે અન્ય ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. મૃતકોમાં 8 વર્ષની માસૂમ બાળકી અને 24 વર્ષીય યુવાનનો સમાવેશ થાય છે. આ દુર્ઘટનાને પગલે મૃતકોના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
સામસામે ટક્કર થતાં બાઈકના ફૂરચાગૂરચા ઊડ્યા
પ્રાપ્ત માહિતી અનુસાર, શનિવારે સાંજે સિલાસણ પાટિયા પાસે બે બાઈક વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે બંને બાઈકને ભારે નુકસાન થયું હતું અને તેના પર સવાર લોકો રોડ પર ફંગોળાયા હતા. અકસ્માતને પગલે આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ઘાયલોને મદદ પહોંચાડવા પ્રયાસો હાથ ધર્યા હતા.
8 વર્ષની બાળકી અને 24 વર્ષીય યુવાનનાં મોત
આ અકસ્માતમાં કરણપુર ગામની 8 વર્ષીય અક્ષુબેન મેહુલભાઈ ખાંટ અને ચિત્રોડી ગામના 24 વર્ષીય સાગરકુમાર વનરાજભાઈ નિનામા સહિત ત્રણ લોકોનાં મોત નીપજ્યાં હતાં. પ્રાપ્ત માહિતી મુજબ, મૃતકોમાં મામા-ભાણીનો પણ સમાવેશ થાય છે. સામાજિક પ્રસંગ પૂર્ણ કરીને પરત ફરી રહ્યા હતા તે દરમિયાન અકસ્માત સર્જાતાં પરિવાર પર આભ તૂટી પડ્યું હતું.
ત્રણ ઘાયલોને હિંમતનગર અને અમદાવાદ રિફર કરાયા
અકસ્માતમાં ભૂપતભાઈ હીરાલાલ પગી, અભિષેકકુમાર વનરાજભાઈ નિનામા અને કિરણબેન મેહુલભાઈ ખાંટ ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘટનાની જાણ થતાં 108 ઈમરજન્સી સેવા દ્વારા ઘાયલોને ભિલોડા સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે હિંમતનગર અને અમદાવાદની હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા.
પોલીસ અને વહીવટી તંત્ર ઘટનાસ્થળે દોડી આવ્યું
અકસ્માતની જાણ થતાં મામલતદાર નરેન્દ્રસિંહ રાવ, ભિલોડા પોલીસનો કાફલો, 108 ઈમરજન્સી ટીમ અને સ્થાનિક ગ્રામજનો ઘટનાસ્થળે પહોંચ્યા હતા. પોલીસે મૃતદેહોનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા. આ બનાવ અંગે પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
એક જ અકસ્માતમાં ત્રણ લોકોનાં મોત અને ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થતાં ભિલોડા સહિત સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાઈ છે. ખાસ કરીને 8 વર્ષની માસૂમ બાળકીના મોતથી પરિવારજનોમાં ભારે આક્રંદ છવાયો છે.
SK24 ગુજરાતી ન્યૂઝ
સંજય ભોઈ | મો. 7600694756
0 Comments