સાબરકાંઠા જિલ્લામાં મિલકત સંબંધી ગુનાઓને અટકાવવા માટે પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી ઝુંબેશ અંતર્ગત ખેડબ્રહ્મા પોલીસને મોટરસાઇકલ ચોરીના બે ગુનાઓ ઉકેલવામાં સફળતા મળી છે. પોલીસે ગણતરીના કલાકોમાં જ ખેડબ્રહ્મા અને હિંમતનગર વિસ્તારમાંથી ચોરાયેલી બે મોટરસાઇકલ કબજે કરી 19 વર્ષીય યુવકની અટકાયત કરી છે.
પોલીસ પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર, ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર ડી.એન. સાધુ અને સર્વેલન્સ ટીમને બાતમી મળી હતી કે એક શંકાસ્પદ યુવક નંબર પ્લેટ વગરની મોટરસાઇકલ લઈને ખેરોજ તરફથી ખેડબ્રહ્મા આવી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે ખેડબ્રહ્માની કે.બી. હોસ્પિટલ સામે વોચ ગોઠવી હતી.
દરમિયાન અંબાજી તરફથી આવતી શંકાસ્પદ મોટરસાઇકલને પોલીસે રોકી ચાલકની પૂછપરછ હાથ ધરી હતી. ચાલક સંતોષકારક જવાબ આપી શક્યો ન હોવાથી પોલીસે વધુ પૂછપરછ કરતાં તેની પાસેથી મોટરસાઇકલ ચોરી અંગેની વિગતો સામે આવી હતી. પોલીસના જણાવ્યા મુજબ, યુવકે હિંમતનગરમાંથી બીજી મોટરસાઇકલ ચોરી કરી ખેડબ્રહ્માના અંબિકા માતાજી મંદિર પાસે મૂકી હોવાની કબૂલાત કરી હતી.
પોલીસે આરોપી પાસેથી મળેલી માહિતીના આધારે હીરો કંપનીની બે એચ.એફ. ડિલક્સ મોટરસાઇકલ કબજે કરી હતી. કબજે કરાયેલા વાહનોના રજિસ્ટ્રેશન નંબર GJ-08-BD-2820 અને GJ-09-DE-2473 હોવાનું જાણવા મળ્યું છે.
આ કેસમાં પોલીસે મહોમદસાહીલ મહોમદસઇદ શેખ (ઉંમર 19 વર્ષ), રહે. કોટડા છાવણી, ઉદેપુર, રાજસ્થાનની અટકાયત કરી છે. આ કાર્યવાહીથી ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનના ગુના નંબર 1023/2026 તથા હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશનના ગુના નંબર 0999/2026, બંને ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 303(2) હેઠળ નોંધાયેલા મોટરસાઇકલ ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલાયો હોવાનું પોલીસે જણાવ્યું છે.
વધુમાં, પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી વિરુદ્ધ અગાઉ ખેરોજ અને હિંમતનગર સહિતનાં પોલીસ સ્ટેશનોમાં લૂંટ, એન.ડી.પી.એસ. એક્ટ અને ચોરી સંબંધિત ગુનાઓ નોંધાયેલા છે.
ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનના પી.આઈ. ડી.એન. સાધુ, પી.એસ.આઈ. એસ.એમ. વસૈયા તથા તેમની ટીમે આ કામગીરી હાથ ધરી હતી. પોલીસે બંને મોટરસાઇકલ કબજે કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અહેવાલ. સંજય ભોઈ
0 Comments