Ticker

8/recent/ticker-posts

Followers

તલોદ પોલીસની મોટી કામગીરી: હરસોલની રોહિત સમાજવાડીમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો, બે આરોપીઓ ઝડપાયા..

₹2.12 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત, ચોરીમાં વપરાયેલી CNG રિક્ષા પણ કબજે

સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના હરસોલ ગામે આવેલી બાવીસ પરગણા પંદર ગામ રોહિત સમાજવાડીમાં થયેલી ચોરીનો ભેદ તલોદ પોલીસે ગણતરીના દિવસોમાં ઉકેલી બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે ચોરીના મુદ્દામાલ ઉપરાંત ગુનામાં ઉપયોગમાં લેવાયેલી CNG રિક્ષા સહિત કુલ રૂ. 2,12,830નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, હરસોલ ગામની રોહિત સમાજવાડીમાંથી 8 એમ.એમ. લોખંડના સળિયા, સેન્ટિંગ ફોર્મા પ્લેટ અને લોખંડના પાઇપના ટુકડા મળી કુલ રૂ. 15,500ની મિલકત ચોરી થઈ હતી. આ અંગે તલોદ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા, 2023ની કલમ 303(2) હેઠળ ગુનો નોંધાયો હતો.

ચોરીના ગુનાને ઉકેલવા તલોદ પોલીસ ઇન્સ્પેક્ટર સી.જી. રાઠોડના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમે હ્યુમન સોર્સ અને ટેક્નિકલ સર્વેલન્સની મદદથી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન મળેલી બાતમીના આધારે પોલીસે સંગ્રામસિંહ જાલમસિંહ ઝાલા (રહે. જેથાજીના મુવાડા, તા. તલોદ) અને રવિન્દ્રસિંહ શૈલેષસિંહ ઝાલા (રહે. સુરપુર, તા. તલોદ)ને ઝડપી પાડ્યા હતા.

પોલીસ તપાસમાં બંને આરોપીઓએ ચોરીનો મુદ્દામાલ CNG રિક્ષામાં લઈ જઈ જેથાજીના મુવાડા ખાતે સંતાડ્યો હોવાની વિગતો સામે આવી હતી. પોલીસે આરોપીઓ પાસેથી 14 લોખંડના સળિયા, 15 સેન્ટિંગ ફોર્મા પ્લેટ અને લોખંડના પાંચ પાઇપના ટુકડા મળી કુલ રૂ. 12,830ની મિલકત તેમજ ચોરીમાં ઉપયોગમાં લેવાયેલી રૂ. 2 લાખની CNG રિક્ષા કબજે કરી હતી.

આમ, તલોદ પોલીસે કુલ રૂ. 2,12,830નો મુદ્દામાલ જપ્ત કરી બંને આરોપીઓ વિરુદ્ધ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કામગીરીમાં PSI બી.એલ. રાયજાદા તથા તલોદ પોલીસ સ્ટેશનના કર્મચારીઓ જોડાયા હતા.


અહેવાલ. સંજય ભોઈ 

Post a Comment

0 Comments