ટ્રેક્ટર ચાલક અકસ્માત બાદ ફરાર; ધનસુરા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના ખીલોડિયા ગામની સીમમાં આવેલા બાલીસણા રોડ પર બાઈક અને સોનાલીકા કંપનીના ટ્રેક્ટર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતાં 18 વર્ષીય યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ ઘટનાને પગલે પંથકમાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર, તલોદ તાલુકાના વાવડી (સોનીસર) ગામનો રહેવાસી કશ્યપરાજસિંહ સોલંકી બાઈક લઈને પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન બાલીસણા રોડ પર બાઈક અને સોનાલીકા કંપનીના ટ્રેક્ટર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
અકસ્મત બાદ ટ્રેક્ટર ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હોવાનું જાણવા મળ્યું છે. બનાવની જાણ થતાં ધનસુરા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ધનસુરા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે મોકલી આપ્યો હતો.
આ અકસ્માતમાં બાઈક નંબર GJ-09-DE-6837 અને ટ્રેક્ટર નંબર GJ-31-D-6392 હોવાનું જાણવા મળ્યું છે. ધનસુરા પોલીસે અકસ્માત અંગે ગુનો નોંધી ફરાર ટ્રેક્ટર ચાલકને શોધવા સહિતની આગળની તપાસ હાથ ધરી છે.
18 વર્ષીય યુવાનના અકાળે મોતના સમાચારથી પરિવારજનોમાં શોક છવાઈ ગયો હતો. ટૂંકી ઉંમરે યુવાનનું જીવન છીનવાઈ જતાં ગામમાં પણ દુઃખની લાગણી જોવા મળી હતી.
સંજય ભોઈ
0 Comments