આદિજાતિ લાભાર્થીઓ પાસેથી લોનના હપ્તા વસૂલી સરકારી ખાતામાં જમા કરાવવાને બદલે અંગત ઉપયોગમાં લીધા હોવાની ફરિયાદ
સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા સ્થિત આદિજાતિ પ્રાયોજના કચેરીમાં આઉટસોર્સિંગના આધારે ફરજ બજાવતા એક ક્લાર્ક સામે 19 આદિજાતિ લાભાર્થીઓ પાસેથી સ્વરોજગારી લોનના હપ્તા પેટે વસૂલવામાં આવેલા રૂ. 11,58,620 સરકારી બેંક ખાતામાં જમા કરાવવાને બદલે અંગત ઉપયોગમાં લઈ ઉચાપત કર્યાની ફરિયાદ નોંધાઈ છે. આ મામલે ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ફરિયાદમાં જણાવ્યા મુજબ, જગદીશભાઈ મણિલાલ બરંડા, જે વિજયનગર તાલુકાના સરદારનગરના રહેવાસી છે, તેઓ ખેડબ્રહ્મા પ્રાયોજના કચેરીમાં આઉટસોર્સ ક્લાર્ક તરીકે ફરજ બજાવતા હતા. તેમની પાસે આદિજાતિ લાભાર્થીઓને આપવામાં આવેલી સ્વરોજગારી લોનના હપ્તાની વસૂલાત કરવાની જવાબદારી હતી.
આક્ષેપ મુજબ, 1 ફેબ્રુઆરી 2017થી 22 ઓક્ટોબર 2022 દરમિયાન 19 લાભાર્થીઓ પાસેથી લોનના હપ્તા પેટે કુલ રૂ. 11,58,620 વસૂલવામાં આવ્યા હતા. જોકે, આ રકમ સરકારી બેંક ખાતામાં જમા કરાવવાને બદલે અંગત ઉપયોગમાં લેવામાં આવી હોવાની વિગતો સામે આવી છે.
NOC માટેની પ્રક્રિયા દરમિયાન ઉચાપતનો પર્દાફાશ
વર્ષ 2022 દરમિયાન કેટલાક લાભાર્થીઓ લોન અંગેનું નો-ઓબ્જેક્શન સર્ટિફિકેટ (NOC) મેળવવા ગાંધીનગર ગયા હતા. તે સમયે સંબંધિત રેકોર્ડની તપાસ કરતાં લોનના હપ્તાની વસૂલાત અને સરકારી ખાતામાં જમા થયેલી રકમ વચ્ચે વિસંગતતા જણાતાં સમગ્ર મામલો સામે આવ્યો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
આ સમગ્ર પ્રકરણમાં ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશનના હાર્દિકભાઈ નરસિંહભાઈ રોહિતે ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આદિજાતિ લાભાર્થીઓની લોનની રકમ સાથે સંકળાયેલા આ મામલે હવે પોલીસ તપાસમાં વધુ વિગતો બહાર આવે તેવી શક્યતા છે.
સંજય ભોઈ
0 Comments